ઘૂંટણના દુઃખાવા પર વિસ્તૃત માહિતી – કારણ, સારવાર

પરિચય
ઘૂંટણ એ આપણા શરીરનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ જોડાણ છે. આપણે રોજિંદા જીવનમાં ઊભા રહેવા, ચાલવા, બેઠા થવા, સીડી ચઢવા અને ઊંચા નીચા કામ કરવા માટે ઘૂંટણ પર આધાર રાખીએ છીએ. જ્યારે આ જોડાણમાં દુઃખાવો શરૂ થાય છે ત્યારે રોજિંદા કામકાજમાં બહુ તકલીફ થતી હોય છે.

ઘૂંટણમાં દુઃખાવાનો અનુભવ દરેક ઉંમરના લોકોમાં થઈ શકે છે, પણ મુખ્યત્વે વૃદ્ધ લોકો માં અને વધુ વજન ધરાવનારા વ્યક્તિઓમાં એ વધુ જોવા મળે છે.

 

ઘૂંટણના દુઃખાવાના મુખ્ય કારણો

1. ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ (Osteoarthritis)
આ ઘૂંટણના હાડકાં વચ્ચેના કાર્ટિલેજ ઘસાઈ જાય છે, જેના કારણે હાડકાં સીધા ઘસી દુઃખાવો થતો હોય છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા માં જોવા મળે છે.

2. લિગામેન્ટ ઈન્જરી
ઘૂંટણમાં ઘણા લિગામેન્ટ હોય છે જેમ કે ACL, PCL, MCL વગેરે. જો રમતી વખતે કે અકસ્માતમાં આ લિગામેન્ટ ખેંચાઈ જાય કે ફાટી જાય તો ઘૂંટણમાં તીવ્ર દુઃખાવો થાય છે.

3. મેનિસ્કસ ઈન્જરી
મેનિસ્કસ
સામાન્ય રીતે ઘુંટણ માં બે મેનીસ્કસ હોય છે જે ઘુંટણ ને વાળતાં ફાટી જાય તો ઘૂંટણ લાકડા જેવા કડક થઈ જાય છે.

4. પેટેલોફેમોરલ પેઇન સિન્ડ્રોમ
આ મોટા ભાગે યુવાઓમાં જોવા મળે છે. ઘૂંટણ ના આગળ ના ભાગમાં દુઃખાવો થાય છે ખાસ કરીને સીડી ચઢતાં કે લાંબા સમય સુધી બેઠા રહેવાથી તીવ્ર દુઃખાવો થાય છે.

5. ઘૂંટણ પર વધારે ભાર પડવો
વધારે વજન ધરાવવું, ઊંચકાવાની આદત, વધારે ઊભા રહેવું કે ઘૂંટણ વાળીને બેસવાની આદતથી પણ ઘૂંટણ દુખી શકે છે.

 

દુઃખાવાના લક્ષણો શું હોઈ શકે?

 

ઘૂંટણમાં સતત કે સમયાંતરે દુઃખાવું

પગ વાળવામાં કે સીધું કરવાનું મુશ્કેલ થવું

સોજો દેખાવો

ઘૂંટણમાંથી અવાજ આવવો (‘ખટ’ ‘ખટક’)

ચાલતી વખતે ઘૂંટણ લૂઝ લાગવું

 

ફિઝિયોથેરાપી કેવી રીતે ફાયદાકારક છે?

 

ફિઝિયોથેરાપી એ દવાઓ અને ઓપરેશન વગરની સારવાર પદ્ધતિ છે. યોગ્ય કસરતો અને સાધનો દ્વારા દુઃખાવાને ઘટાડવામાં અને ઘૂંટણ ના હલન ચલન માં સુધારવામાં મદદરૂપ બને છે.

મુખ્ય ફિઝિયોથેરાપી પગલાં:

નિયમીત કસરતો:
ખાસ ઘૂંટણ માટેની કસરતો જે પગના સ્નાયુઓ મજબૂત કરે છે. જેમ કે ક્વાડ્રિસેપ્સ સેટ, સ્ટ્રેઇટ લેગ રેઇઝ, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ વગેરે.

ઇલેક્ટ્રોથેરાપી:
જેવી કે TENS, IFT, અલ્ટ્રાસાઉન્ડ થેરાપી જે દુઃખાવો અને સોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે.

હોટ અને કોલ્ડ પેક:
હાડકાં અને મસલ્સ માટે આરામદાયક હોય છે. સોજો હોય ત્યારે કોલ્ડ પેક અને દુઃખાવો હોય ત્યારે હોટ પેક ઉપયોગી છે.

ગેટ ટ્રેઇનિંગ અને બેલેન્સ ટ્રેનિંગ:
ચાલવામાં અનિયમિતતા હોય તો ચાલવાની રીત સુધારવી અને સંતુલન જાળવવા તાલીમ આપવી.

અન્ય ઘ્યાન રાખવાં જેવી બાબતો

* વજન ઓછું કરવું – દરેક કિલો વધારાના વજનથી ઘૂંટણ પર વધારે દબાણ પડે છે.

*બેઠા બેઠા પગ ઊંચા કરવાનાં વ્યાયામ કરવો.

*લાંબા સમય સુધી ઊભા ન રહેવું.

*સીડી ચઢવા-ઉતરવામાં કાળજી રાખવી.

*આરામ અને પુરતી ઊંઘ લેવી.

ડૉક્ટર કે ફિઝિયોથેરાપીસ્ટનો સંપર્ક ક્યારે કરવો?

*દુઃખાવો સતત વધતો જાય

*ઘૂંટણ માં સોજા નું વધતું પ્રમાણ

*ચાલવામાં મુશ્કેલીઓ પડવી

*દુઃખાવા ના લીધે ઊંઘ ન આવવી

*ઘરેલું ઉપાયો માટે 2-3 અઠવાડિયા પછી પણ ફર્ક ન પડે

ઘૂંટણનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જાળવવું શક્ય છે જો આપણે સમયસર કાળજી લઈએ. ફિઝિયોથેરાપી એ ઘૂંટણના દુઃખાવાની અસરકારક અને ઓપરેશન વગરની સારવાર છે. સતત કસરત, યોગ્ય ખોરાક, વજન નિયંત્રણ અને નિષ્ણાતની સલાહથી ઘૂંટણ સ્વસ્થ રહી શકે છે.

તમે આજે કાળજી લો, જેથી કરી ભવિષ્યમાં ચાલવામાં મુશ્કેલી ન પડે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *